દાબેલી

સામગ્રી :-   ૨૫૦ ગ્રામ બટાકા ૬    નંગ દાબેલીના બન (પાઉં) ૧    ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો ૩    ટેબલ સ્પૂન તેલ ૧    કપ ખજૂર આમલીની ચટણી ૧    ટેબલ સ્પૂન લસણ-લાલ મરચાની […]

સામગ્રી :-  

૨૫૦ ગ્રામ બટાકા
૬    નંગ દાબેલીના બન (પાઉં)
૧    ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો
૩    ટેબલ સ્પૂન તેલ
૧    કપ ખજૂર આમલીની ચટણી
૧    ટેબલ સ્પૂન લસણ-લાલ મરચાની પાતળી ચટણી
૧    ટેબલ સ્પૂન સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા)
૧    ટેબલ સ્પૂન દાણા
૧    ટેબલ સ્પૂન બારીક સમારેલી ડુંગળી

રીત :-

એક કડાઈમાં તેલ મૂકીને ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર આમલીની ચટણી ૧ થી ૨ ટેબલ સ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો.

ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાની પાતળી ચટણી લગાવીને હવે બન્ને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો. તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો (આ મસાલાને થોડો ઢીલો રાખવો).
હવે બનને માખણ લગાવીને બન્ને તરફ દબાવીને થોડા થોડા શેકી લો.

દાબેલી ગરમ ગરમ ખાવાની તો મજા જ આવે છે પણ કદાચ ઠરી જાય તો પણ એટલી જ ટેસ્ટી લાગે છે. અને સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકાય…

(આમ તો આ મસાલો હવે બધે તૈયાર મળે જ છે પણ જો ઘરે બનાવવો હોય તો એની રીત પણ અહીં આપી છે)

દાબેલીનો મસાલો બનાવવા માટે  :-

૧     ટેબલ સ્પૂન ધાણા
૧     ટેબલ સ્પૂન સુકા કોપરાનું છીણ
૨     ટી સ્પૂન વરીયાળી
૧     ટી સ્પૂન જીરુ
૪ – ૫ લવિંગ
૧   ઈંચ તજનો ટુકડો
૬ – ૭ આખા મરી
૧     ટી સ્પૂન લાલ મરચું
૧/૨  ટી સ્પૂન હળદર
૧     ટી સ્પૂન તેલ
૧     ટી સ્પૂન ખાંડ
૧/૨ ટી સ્પૂન આમચુર પાવડર
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-  

એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં ધાણા, કોપરુ, વરીયાળી, જીરુ, તજ, લવિંગ આ બધા મસાલાને અડધી મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ ગેસ પરથી ઉતારી લો. ઠંડા પડે એટલે તેમાં મરચું, હળદર, ખાંડ, આમચુર પાવડર અને મીઠું ભેળવી લો. મિક્સરમાં ક્રશ કરી અને એરટાઈટ ડબ્બીમાં રાખો.

ખજૂર આમલીની ચટણી બનાવવા માટે  :- 

૨૫૦  ગ્રામ ખજૂર
૧૦૦  ગ્રામ આમલી
૧       ટી સ્પૂન લાલ મરચું
૧       ટી સ્પૂન ધાણાજીરુ
૧/૨    ટી સ્પૂન સંચળ
મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-

ખજૂર અને આમલીને ઠળિયા કાઢીને ધોઈને પાણીમાં લગભગ અડધી કલાક સુધી પલાળી રાખો. ત્યાર પછી એને ગેસ પર ૮ થી ૧૦ મિનિટ સુધી ઉકાળી લો. હવે તેમાં બ્લેન્ડર ફેરવીને ક્રશ કરી નાખો અને પછી ચાળણીમાં નાખીને ગાળી લો. ત્યારબાદ તેમાં ધાણાજીરુ, મરચું અને સંચળ, મીઠું ઉમેરી મિક્સ કરી લો.

જરૂર પ્રમાણે તેમાં ખજૂરને બદલે ગોળ પણ નાખી શકાય.

About