વેજિટેબલ સૂપ

સામગ્રી :

૧ નંગ ગાજર
૧ નંગ બટાકુ
૨ નંગ ટમેટા
૧ નંગ ડુંગળી
૧/૨ કપ લીલા વટાણા
૧/૨ નંગ બીટ
૧/૨ કપ ફણસી ઝીણી સમારીને બાફી લેવી
૧ કપ ફ્લાવર
૫ – ૬ કળી લસણ
૧ નંગ લીલુ મરચુ સમારેલુ ૧ નંગ કેપ્સિકમ
મરી, મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-

ઉપર જણાવેલા બધાજ શાકભાજીને હૂંફાળા પાણીથી ધોઈને મોટા મોટા ટૂકડામાં સમારી લો. અને ત્યાર બાદ તેને પ્રેશરકૂકરમાં બાફી લો. (જો નાના ટૂકડા સૂપમાં આવે તેમ કરવું હોય તો બધા જ શાકભાજીને ઝીણા સમારીને બાફવા મૂકો. અને તેને ક્રશ ન કરતા એમ ને એમ જ રાખો.) સારી રીતે બફાઈ જાય એટલે તેને બ્લેન્ડરથી સારી રીતે ક્રશ કરી લો. તેમાં બાફતી વખતે નાંખેલુ પાણી ફેંકી ન દેતા તેને સાથે જ ક્રશ કરવામાં વાપરી લો. ક્રશ થયેલા મિશ્રણને ચાળણીથી વડે ગાળી લો. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને થોડી વાર માટે ઉકાળો. થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને મરી પાવડર અને ફુદિનાનો પાવડર છાંટીને ગરમ ગરમ પીરસો…

આ સૂપ સાવ તેલ કે ઘીના ઉપયોગ વિના બનાવી શકાય છે. સાથે સાથે તેને વઘારીને પણ બનાવી શકાય.

વઘારીને બનાવવા માટે :-

શાકભાજીને બાફવા મૂકો ત્યારે તેમાં ડુંગળી ન ઉમેરવી. બફાઈ અને ક્રશ થયેલા મિશ્રણને વઘારવા માટે ૧ ટેબલસ્પૂન તેલ, ઘી કે માખણને ગરમ કરવા મૂકો. અને તેમાં ચપટી હિંગ, ૨ લવિંગ અને છીણેલી એક ડુંગળીને સાંતળી લો. હવે તેમાં ક્રશ કરેલા મિશ્રણનો વઘાર કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો. ઉપર ફ્રેશ મલાઈ અને ફુદીનાના પાનથી સજાવીને ગરમ ગરમ પીરસો…

About swatigadhia