ગ્રીન ફ્રુટ મઠો

સામગ્રી :-

૧ કિલો મોળું દહીં
૧ કપ ઝીણા સમારેલા સફરજન અને ચીકુ
૫૦ ગ્રામ લીલી અને કાળી દ્રાક્ષ સમારેલી
૨ ટેબલ સ્પૂન દાડમના દાણા
૧ કપ દળેલી ખાંડ
૨ – ૩ ટીપા વેનિલા એસેન્સ
૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર

રીત :-

દહીંને મલમલના ટૂકડામાં નાખી તેની પોટલી બાંધીને દહીંમાંથી બધું જ પાણી નિતારી નાખો. જો આ કામ ઝડપથી કરવું હોય તો એકવાર પોટલીને દબાવીને થોડું પાણી કાઢી નાખો અને ત્યારબાદ આખા કપડાને કાગળ ઉપર ફેલાવીને થોડી વાર દહીં હલાવો, આમ કરવાથી દહીંમાંનું પાણી કાગળમાં ઉતરી જશે બે ત્રણ વાર કાગળ બદલી નાખો અને થોડી વાર પંખો ચાલુ કરીને દહીંના મસ્કાને ફેલાવી દો અને તેમાનું પાણી સૂકાઈ જવા દો. (જેટલો બને તેટલો આ મસ્કાને કોરો થવા દો, જ્યારે તેમાં ખાંડ ઉમેરીએ ત્યારે ફરી પાણી વળશે.) ત્યાર પછી કપડામાંથી મસ્કાને એક બાઉલમાં કાઢીને તેમાં દળેલી ખાંડ નાખી એકરસ થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં મિલ્ક પાવડર તેમજ વેનિલા એસેન્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ બાકીના બધા ફળોના ટૂકડા ભેળવીને એક કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકો.
એકદમ ઠંડું થાય એટલે પીરસો

નોંધ :-

ઘરે બનાવેલા દહીંમાંથી પાણી વધારે નીકળે છે તેથી તેને લાંબો સ્મય સુધી લટકાવી રાખવું પડે છે અથવા દબાવીને પાણી કાઢવું પડે છે. સમય ઓછો હોય તો અમુલના મસ્તી દહીંનો ઉપયોગ કરવો યોગ્ય રહે છે. તેનો સ્વાદ અને ટેક્ષ્ચર ખૂબ જ સરસ રહે છે. વિદેશમાં રહેતા મિત્રો તેમને ત્યાં મળતા યોગર્ટના તૈયાર પેકનો પણ ઉપયોગ કરી શકે છે…

About