વેજ માર્બલ્સ વીથ ગ્રેવિ

સામગ્રી : –  

૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
૨૦૦ ગ્રામ બાફેલું રતાળુ
૪ થી ૫ નંગ બ્રેડ
૧ ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ
મીઠું સ્વાદ પ્રમાણે

સ્ટફિંગ માટે :-

૪૦૦ ગ્રામ દહીં
૧/૪ લીલું નાળિયેર ખમણેલું
૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
મીઠું અને ખાંડ સ્વાદ પ્રમાણે

ગ્રેવિ માટે :-

૫ થી ૬ ટમેટા
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી
૧ ટેબલસ્પૂન કૉર્ન ફ્લોર
૧/૪ કપ બારીક સમારેલા કોથમીર અને ફુદીનો
૨ ટેબલસ્પૂન ઘી
૩ કપ દૂધ અને પાણી
મીઠું અને હળદર સ્વાદ પ્રમાણે

પેસ્ટ :-

૧/૪ લીલું નાળિયેર ખમણેલું
૧/૨ કપ સમારેલા કોથમીર અને ફુદીનો
૨ ટી સ્પૂન જીરું
૧/૨ કપ કાજુના ટુકડા
૨ થી ૩ નંગ લીલા મરચા
૩ નંગ લાલ મરચા
ઉપર લખેલો બધો મસાલો જરા જરા શેકીને પીસી લઈ પેસ્ટ તૈયાર કરો.

રીત :-

બટાકા અને રતાળુને બાફીને તેની છાલ ઉતારી છીણી લો. તેમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરો અને બ્રેડને પાણીમાં પલાળીને કાઢી લો દબાવીને પાણી નિતારી લો, હવે તેને બટાકા અને રતાળુના માવા સાથે ભેળવીને બાજુ પર રાખો.
દહીંને કપડામાં બાંધીને તેમાંથી પાણી નિતારી લો. ત્યારબાદ તેમાં સ્ટફિંગનો મસાલો ભેળવી લો.
હવે તૈયાર કરેલા માવાના નાના ગોળા કરીને તેની પૂરી બનાવી તેમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ થોડું મૂકી બંધ કરી તેના ગોળ કે લંબગોળ માર્બલ્સ બનાવી તેલમાં ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી લો અને વધારાનું તેલ ચૂસાઈ જાય તે માટે આ માર્બલ્સને સીધા પેપર નેપ્કિન પર કાઢી લો.
ત્યારપછી ટમેટાને ઊકળતા પાણીમાં નાખીને તેની છાલ કાઢી બારીક સમારી લો.
હવે એક કૂકિંગ પૅનમાં ઘી ગરમ કરી તેમાં ડૂંગળી અને વાટેલી પેસ્ટ સાંતળી લો. તેમાં બારીક સમારેલા ટમેટા નાખી ધીમા તાપે ૪ થી ૫ મિનિટ સુધી હલાવો. ત્યારબાદ દૂધમાં કૉર્ન ફ્લોર મેળવી ધીમે ધીમે તેમાં ઉમેરતા જાઓ. થોડી વાર માટે ઢાંકણ ઢાંકીને ગ્રેવીને ચડવા દો. ઊકળી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
તળીને પેપર નૅપ્કિન પર કાઢેલા માર્બલ્સ એક ઊંડી પ્લેટમાં ગોઠવો અને તેની બાજુમાંથી ગ્રેવિ રેડતા જાઓ જેથી માર્બલ્સ ગ્રેવિની અંદર ઢંકાઈ ના જાય. ઉપરથી દાડમના દાણા અને કોથમીર નાખીને ગરમ ગરમ પીરસો.

About