દાલ બાટી

સામગ્રી :- બાટી માટે ઘઉંનો કરકરો લોટ મલાઈ મીઠું મરચું શેકેલું અધકચરું જીરુ ઘી દાલ માટે   ૧/૨ કપ ચણાની દાળ ૧/૨ કપ તુવેર દાળ ૧/૨ કપ મગની દાળ ૧/૨ […]

સામગ્રી :-

બાટી માટે

ઘઉંનો કરકરો લોટ
મલાઈ
મીઠું
મરચું
શેકેલું અધકચરું જીરુ
ઘી

દાલ માટે  

૧/૨ કપ ચણાની દાળ
૧/૨ કપ તુવેર દાળ
૧/૨ કપ મગની દાળ
૧/૨ કપ અડદની દાળ
૩ થી ૪ લીલા મરચા
એક ટુકડો આદુ
૭ થી ૮ કળી લસણ
(આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવી લેવી)
૨ નંગ ટમેટા
૨ નંગ ડુંગળી
૧/૨ ચમચી ધાણાજીરુ
૧/૪ ચમચી હળદર
૧ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી ગરમ મસાલો
૨ ચમચા તેલ
રાઈ, જીરુ, હિંગ વઘાર માટે

રીત :-

ઘઉંના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેમાં મલાઈનું મોણ નાખીને કડક લોટ બાંધો. (જો મસાલા બાટી બનાવવી હોય તો લોટમાં શેકેલું અધકચરું જીરુ અને સ્વાદ પ્રમાણે મરચું ઉમેરો) હવે બાંધેલા લોટમાંથી નાના નાના લુઆ (બાટી) બનાવી તેને સહેજ દબાવીને ચપટા કરી લો. અને દરેકને બન્ને બાજુએથી કાણાં પાડી લો. એક મોટા વાસણમાં પાણી ઉકળવા મૂકીને તેના પર સહેજ ઉંચે જાળી અથવા કાણાંવાળી ડીશ મૂકીને બધી જ બાટીને વરાળથી બાફી લો. સારી રીતે બફાઈ જાય પછી બધી જ બાટીને બાટીના કૂકરમાં અથવા ઓવનમાં શેકવા મૂકો. થોડી થોડી વારે તેને ફેરવતા રહો. પૂરેપૂરી શેકાઈ જાય એટલે તેને ઘી ભરેલા વાસણમાં થોડી વાર માટે ડૂબાડીને એક બાજુ રાખો.

બધી જ દાળ સરખા ભાગે લઈને તેને કૂકરમાં બાફી લો. હવે એક પહોળા વાસણમાં તેલ મૂકીને તેમાં રાઈ – જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં આદુ, લસણ મરચાની પેસ્ટ સાંતળી લો. ત્યારબાદ ડુંગળી અને ટમેટા ઉમેરો, હવે ધાણાજીરુ, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી આ મિશ્રણને હલાવતા રહો. અને પછી તેમાં બધી જ બાફેલી દાળ નાખી દો. ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરી હલાવીને પછી થોડી વાર ચડવા દો. જોઈતા પ્રમાણમાં એને ઘટ્ટ થવા દો. બારીક સમારેલી તાજી કોથમીર છાંટીને ઢાંકી દો.

પીરસતી વખતે બાટીને હાથથી મસળીને ભૂકો કરી લો અને એક ડીશ કે બાઉલમાં મૂકી તેની ઉપર દાળ રેડીને પીરસો.

ડુંગળી અને ટમેટાનું કચુમ્બર બનાવી તેમાં લીંબુ, મીઠું છાંટીને સાથે પીરસો.

બાટીનો ભૂકો કરીને તેમાં ગોળ અને ઘી નાખીને પણ ખાવાની મજા લો…

About