એગલેસ ચોકલેટ સ્પન્જ કેક

આજની કેક Mikal ની ફરમાઈશ પર… સામગ્રી :-  ૧૭૦ ગ્રામ મેંદો ૧૭૦ ગ્રામ ખાંડ દળેલી ૧૭૦ ગ્રામ માખણ (White butter) ૨ ટેબલસ્પૂન કોકો પાવડર ૩/૪ ટી સ્પૂન બેકિંગ પાવડર ૩/૪ ટી […]

આજની કેક Mikal ની ફરમાઈશ પર…

સામગ્રી :- 

૧૭૦ ગ્રામ મેંદો
૧૭૦ ગ્રામ ખાંડ દળેલી
૧૭૦ ગ્રામ માખણ (White butter)
૨ ટેબલસ્પૂન કોકો પાવડર
૩/૪ ટી સ્પૂન બેકિંગ પાવડર
૩/૪ ટી સ્પૂન ખાવાનો સોડા
૧ ટેબલસ્પૂન દહીં
૧/૨ ટી સ્પૂન વેનિલા એસેન્સ
૧/૨ કપ દૂધ
૧/૨ કપ પીવાની સાદી સોડા

રીત :-  

ઑવનને ૧૮૦ ડીગ્રી પર પ્રી-હીટ કરવા મૂકો. તે થાય ત્યાં સુધીમાં કેકનું બેટર તૈયાર કરી લો.

સૌ પ્રથમ એક પહોળા વાસણમાં મેંદો, કોકો પાવડર, બેકિંગ પાવડર અને ખાવાનો સોડા એકસાથે ભેળવીને મેંદાની ચાળણીથી ચાળી લો.

બીજા એક વાસણમાં માખણ,  દળેલી ખાંડ અને વેનિલા એસેન્સ મેળવીને એકદમ ફેંટી નાખો, સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં દહીં અને દૂધ ભેળવી લો. હવે એમાં ધીમે ધીમે મેંદો, કોકો પાવડર, બેકિંગ પાવડર અને ખાવાનો સોડા જે મિક્સ કરીને રાખેલો હતો તે ઉમેરો અને ઝડપથી એક જ દિશામાં હલાવતા રહો. છેલ્લે પીવાની સોડા ઉમેરો અને ઘટ્ટ બેટર તૈયાર કરી લો.

હવે કેક બનાવવા માટે જે વાસણનો ઉપયોગ કરવાના હો તેમાં થોડું ઘી ચોપડીને લોટ છાંટીને ફેલાવી લો. અને વધેલો લોટ ખંખેરી નાખો. હવે એ વાસણમાં તૈયાર કરેલું બેટર પાથરી દો. થોડું ઠપકારીને સમતલ કરી લો. ગરમ થયેલા ઑવનમાં આ વાસણ કન્વેક્શન મોડમાં ૩૦ મિનિટ સુધી મૂકો. ૩૦ મિનિટ પૂરી થયા બાદ કેકમાં ઊંડે સુધી પાતળું ચપ્પુ નાખીને તે બરાબર ચડી ગઈ છે કે નહીં તે ચેક કરો. જો બરાબર ચડી ગઈ હશે તો ચપ્પુ બહાર કાઢતા તે એકદમ ચોખ્ખું રહેશે.

જો કાચી લાગે તો ફરી ૫ થી ૬ મિનિટ માટે ઓવનમાં કન્વેક્શન પર મૂકો.

કેક થોડી ઠંડી પડે એટલે તેને બહાર કાઢીને પાતળુ કપડું ઢાંકીને એકાદ કલાક રહેવા દો. ત્યાર પછી તેના પર આઈસિંગ કરો.

(અહીં આઈસિંગ વિનાની કેકનો ફોટોગ્રાફ છે.)

સ્વાદઇન્ડિયા પર નોનવેજ કે ઈંડાવાળી કોઈપણ વાનગીઓ ક્યારેય પણ મૂકવામાં નહીં આવે તેથી એ પ્રમાણેની ફરમાઈશ કોઈએ કરવી નહીં.

About